સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં રજવાડાના મ્યુઝિયમની બ્લુ પ્રિન્ટ જાહેર કરો
સંસદ ભવનમાં ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજીની પ્રતિમા મુકો
વિધાનસભા ચૂંટણીમાં દરેક પક્ષમાં ક્ષત્રિય સમાજનું પ્રતિનિધિત્વ જરૂરી
‘અમારી માગણીઓ નહીં સ્વીકારો તો ચૂંટણીમાં જ્વાબ આપવાની કરણી સેનાની ચીમકી
(AR Live) અમદાવાદ, તા.17
વર્ષના અંતમાં યોજાનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પગલે વિવિધ રાજકીય પાર્ટીઓ ઉપરાંત વિવિધ સમાજના સંગઠનો પણ સક્રિય બન્યા છે. જામી રહેલા ચૂંટણીના માહોલ વચ્ચે સામાજિક રાજકારણ પણ સક્રિય બન્યું છે. તાજેતરમાં અમદાવાદ ખાતે પોતાની પડતર માગણીઓ મુદ્દે રાજપૂત કરણી સેનાની એક બેઠક યોજાઈ હતી.
આ બેઠકમાં રાજપૂત કરણી સેનાના પ્રમુખ મહિપાલસિંહ મકરાણા પણ હાજર રહ્યા હતા. બેઠક બાદ રાજપૂત કરણી સેનાએ પોતાની કેટલીક માગણીઓને સરકાર સમક્ષ રાખી હતી. સાથે જ જો તે માગણીઓ નહીં સ્વીકારવામાં આવે તો ચૂંટણી સમયે જવાબ આપવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.
રાજપૂત કરણી સેનાએ જો આગામી 16મી ઓક્ટોબર સુધીમાં તેમની માગણીઓ અંગે કોઈ જાહેરાત નહીં કરવામાં આવે તો 16 ઓક્ટોબરના રોજ એક મહાસંમેલન યોજવામાં આવશે તેવી જાહેરાત કરી છે. સાથે જ જે રાજકીય પાર્ટી તે સંમેલનમાં રાજપૂત સમાજને મહત્વ આપશે તેને સમર્થન આપવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે.