AR Live, ગાંધીનગર, તા.૦૩ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ નજીક આવી રહી છે જેને લઈ રાજકીય પક્ષો એક્શન મોડમાં આવી ગયાં છે. આ વખતે ૧૫૦ બેઠકો જીતીને ઇતિહાસ રચવાના દાવા સાથે રાજ્યમાં ભાજપ સતત છઠ્ઠીવાર સરકાર બનાવવા માટે એડી ચોટીનું જાેર લગાવી રહ્યું છે જે માટે તે સામ-દામ-દંડ-ભેદ સહિત તમામ યુક્તિ-પ્રયુક્તિઓ અજમાવી રહ્યું છે. જોકે લાખ પ્રલોભનો છતાં રાજ્યમાં વહીવટમાં વ્યાપેલા બેફામ ભ્રષ્ટાચાર, યુવા બેરોજગારી, નબળી કામગીરી, બેકાબુ મોંઘવારી અને લુખ્ખા તત્વોને મળેલાં છુટ્ટા દોરને પગલે પ્રજા આ વખતે ભાજપથી ઘણી નારાજ દેખાય છે. શિક્ષિત શહેરી મતદારોમાં આમ આદમી પાર્ટીના વધેલા પ્રભાવ અને સાવ કોરાણે મુકાઇ ગયાનું અનુભવી રહેલા ખેડૂતો સહિત ગ્રામીણ મતદારોમાં હજુ પણ કૉન્ગ્રેસની પક્કડના કારણે ભાજપને આ ચૂંટણીમાં ભારે પડતી જણાઇ રહી છે. રાજ્યમાં “અસંતોષના અંડર કરંટ”થી ફફડેલી ભાજપ સરકાર “લોલીપોપ પોલિટિક્સ”નો ઉપયોગ કરવા મજબુત બની છે. રાજ્યમાં શિક્ષણ અને આરોગ્યમાં હદ વગરના વેપારીકરણ સાથે વિકાસના નામે મળતીયાઓને બખ્ખેબખ્ખાં કરાવતાં પર્યાવરણનો વિનાશ નોંતરતા પ્રોજેક્ટ તેમજ પ્રજાના પરસેવાના પૈસામાંથી કરોડોનું આંધણ કરીને માત્રને માત્ર સી-પ્લેન જેવાં ભ્રષ્ટાચારના ભોરીંગ જેવા આયોજનો જે સામાન્ય જનતા માટે તસુભાર પણ ઉપયોગી નથી જેના કારણે પ્રજામાં ભાજપ પ્રત્યે રોષ પ્રવર્તી રહ્યો છે. બીજી તરફ ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની વધી ગયેલી તુમાખીભરી સરમુખત્યારશાહી અને મનસ્વીપણાંને કારણે ભાજપમાં જ નીચેના કાર્યકરો તેમજ સંગઠનોના હોદ્દેદારોમાં રોષ વધી રહ્યો છે તે સાથે રાજ્યમાં આમ આદમી પાર્ટીના વધતાં પ્રભાવથી ફફડી ઉઠેલી ભાજપ સરકાર જે અત્યાર સુધી માત્ર પાટીદારોના ઇશારા પર નાચતી હતી તે હવે અન્ય ઓબીસી અને આદિવાસી-દલિત સમાજોને રીઝવવા સંમેલનો યોજીને લોલીપોપ પકડાવી રહી છે. આશા વર્કર કાર્યકરોથી માંડીને લોક રક્ષક પોલીસ હોય કે વિજ કર્મચારીઓ હોય, બોર્ડ નિગમોના કરાર આધારિત કર્મચારીઓ હોય કે નિવૃત સૈનિકો હોય, લાખો યુવા બેરોજગારો અને પીડિત દલિત સમુદાય તમામ ભાજપ સરકારથી નારાજ છે અને દરેકના હક્કને દબાવી રાખીને સરકારે બાનમાં રાખ્યાં હોય તેવું તેઓ અનુભવી રહ્યાં છે. માત્ર હિન્દુ-મુસ્લિમના નામે વિભાજનકારી વૃત્તિને ઉત્તેજન આપતી રાજનીતિના જોરે ભાજપે મતદારોને છેતરીને પક્ષની તિજોરી ભરવા સિવાય કાંઇ કર્યુ નથી તેવું પ્રજા અંદરખાને માની રહી છે અને જે નેતા તેને ભારે પડે તેવો લાગે તેને ખરીદી લેવો અને જો ના ખરીદાય તો કોઇ કેસમાં ફસાવી દેવો તેવી નીતિ ભાજપની છે તેવી છાપ મતદારોના મનમાં પ્રબળ બનતી જાય છે. અત્યાર સુધીના સૌથી નબળા મુખ્યમંત્રી કહેવાતા ભૂપેન્દ્ર પટેલ અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની અક્કડ અને અભિમાનભર્યા વર્તનથી નારાજ અનેક કાર્યકરો પણ અંદરખાને ભાજપ એકવાર હારે તેવું ઇચ્છી રહ્યાં છે અને આમ આદમી પાર્ટીના આગમનથી તેમની સાથે સામાન્ય મતદારોને પણ કોંગ્રેસ કરતાં વધુ વિશ્વાસપાત્ર વિકલ્પ દેખાઇ રહ્યો છે. સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર આઇબી દ્વારા તાજેતરમાં ભાજપને આપવામાં આવેલા ખાનગી રિપોર્ટ્સને કારણે ખુદ ભાજપ જાણી ચૂકી છે કે આ વખતે ૧૫૦ બેઠકો તો ઠીક પરંતુ સત્તા પરત મેળવવી પણ મુશ્કેલ બનશે અને તેથી ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં ખાસ સમય ફાળવીને બે કલાક સુધી કમલમ્ ખાતે ભાજપ હોદ્દેદારોના ક્લાસ લીધાં હતા. આ પછી ભાજપ સરકાર ડેમેજ કંટ્રોલ કરવા ફટાફટ નિર્ણયો લઈ સરકારથી નારાજ વિવિધ સમાજ તથા સમુદાયો અને સંગઠનોને એને મનાવવા પ્રયાસો કરી રહી છે પરંતુ તેના પ્રયાસો કેટલા કારગત નીવડશે તે તો આવનારો સમય જ કહેશે.