(એ.આર.એલ), નવી દિલ્હી, તા.30
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે રાજ્યોના મુખ્યમંત્રીઓ અને હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશોના સંયુક્ત સંમેલનના ઉદ્ઘાટન સત્રમાં સહભાગી બન્યા હતા. પોતાના સંબોધન દરમિયાન વડાપ્રધાને જણાવ્યું કે, આપણાં દેશમાં આજે પણ હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટની તમામ કાર્યવાહી અંગ્રેજીમાં થાય છે. આપણે કોર્ટમાં સ્થાનિક ભાષાઓને પ્રોત્સાહન આપવાની જરૂર છે. વધુમાં જણાવ્યું કે, ‘મને વિશ્વાસ છે કે, બંધારણની (Constitution) 2 કલમોનો સંગમ દેશમાં પ્રભાવી અને સમયબદ્ધ ન્યાય વ્યવસ્થાનો રોડમેપ તૈયાર કરશે.’
વડાપ્રધાનના સંબોધનના અગત્યના મુદ્દાઓઃ
આપણાં દેશમાં આજે પણ સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટની તમામ કાર્યવાહી અંગ્રેજીમાં થાય છે. દેશની એક મોટી વસ્તી એવી છે જેના માટે ન્યાયિક પ્રક્રિયાથી લઈને નિર્ણયો સુધીની બાબતો સમજવી અઘરી થઈ પડે છે. આપણે સામાન્ય જનતા માટે વ્યવસ્થાને સરળ બનાવવાની જરૂર છે.
આપણે કોર્ટમાં સ્થાનિક ભાષાઓને પ્રોત્સાહન આપવાની જરૂર છે. તેના લીધે દેશના સામાન્ય નાગરિકોનો ન્યાય વ્યવસ્થામાં વિશ્વાસ વધશે, તેઓ તેના સાથે જોડાયેલા હોવાનું અનુભવશે.
સામાન્ય નાગરિકો માટે કાયદાની જટિલતા પણ એક ગંભીર વિષય છે. વર્ષ 2015માં આપણે આશરે 1,800 આવા કાયદાઓ ચિન્હિત કર્યા હતા જે અપ્રાસંગિક બની ચુક્યા હતા. તે પૈકીના કેન્દ્રના 1,450 કાયદાઓને અમે ખતમ કર્યા છે પરંતુ રાજ્યો તરફથી માત્ર 75 કાયદાનો જ અંત આણવામાં આવ્યો છે.
આજકાલ અનેક દેશોની લો યુનિવર્સિટીઝમાં બ્લોક ચેઈન્સ, ઈલેક્ટ્રોનિક ડિસ્કવરી, સાઈબર સિક્યોરિટી, રોબોટિક્સ, એઆઈ અને બાયોએથિક્સ જેવા વિષયો ભણાવવામાં આવી રહ્યા છે. આપણાં દેશમાં પણ આ આંતરરાષ્ટ્રીય માપદંડો અનુસાર લીગલ એજ્યુકેશન થાય તે આપણી જવાબદારી છે.